ભારતનું બંધારણ | Bharat Nu Bandharan : ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે. ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ભારતના બંધારણમાં સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશ્યાલિસ્ટ (સમાજવાદ) શબ્દોનો ઉમેરો ૧૯૭૬ની ભારતીય કટોકટી દરમિયાન ૪૨મા સુધારા વખતે કરવામાં આવ્યો હતો.
ભારતનું બંધારણ | Bharat Nu Bandharan
ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે.
ભારતના દરેક રાજ્યમાં એક વિધાન સભા અથવા ધારાસભા પણ હોય છે જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ઉપરી સભા પણ છે જેને વિધાન પરિષદના નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ દરેક રાજ્યના વડા છે. જ્યારે મુખ્ય મંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ સામૂહિક રીતે ધારાસભા કે વિધાનસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય તે મુજબ કાર્ય કરે છે અને એ મંત્રીઓ પણ એ સભાનો જ એક ભાગ છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નિમવામાં આવે છે જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાની છે અને તે કોઇ કારણોસર કોઇપણ ધારાસભ્યને ચોક્કસ સમય સુધી વિધાનસભા/ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે. બંધારણના સાતમાં અનુચ્છેદમાં સંસદસભ્યો અને ધારાસભ્યોના અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશો સીધા જ કેન્દ્ર સરકાર હેઠળ કેન્દ્રના દિશાનિર્દેશન મુજબ કાર્ય થાય છે.
બંધારણ ઘડવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર–મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.
ભાગ | વિષય | અનુચ્છેદ |
---|---|---|
ભાગ ૧ | સંઘ અને તેના પ્રદેશ | અનુચ્છેદ ૧-૪ |
ભાગ ૨ | નાગરિકતા | અનુચ્છેદ ૫-૧૧ |
ભાગ ૩ | મૂળભૂત અધિકારો | અનુચ્છેદ ૧૨-૩૫ |
ભાગ ૪ | રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો | અનુચ્છેદ ૩૬-૫૧ |
ભાગ ૪-એ | મૂળભૂત કર્તવ્ય | અનુચ્છેદ ૫૧ એ |
ભાગ ૫ | સંઘ (યુનિયન) | અનુચ્છેદ ૫૨-૧૫૧ |
ભાગ ૬ | રાજ્ય | અનુચ્છેદ ૧૫૨-૨૩૭ |
ભાગ ૭ | પ્રથમ સૂચિના ભાગ ખ ના રાજ્યો | અનુચ્છેદ ૨૩૮ |
ભાગ ૮ | કેન્દ્રશાસિત પ્રદેશો | અનુચ્છેદ ૨૩૯-૨૪૨ |
ભાગ ૯ | પંચાયતો | અનુચ્છેદ ૨૪૩ ( ક થી ણ સુધી) |
ભાગ ૯-એ | નગરપાલિકાઓ | અનુચ્છેદ ૨૪૩ ( ત થી છ સુધી) |
ભાગ ૯-બી | સહકારી મંડળીઓ | અનુચ્છેદ ૨૪ |
ભાગ ૧૦ | અનુસૂચિત અને જનજાતીય ક્ષેત્ર | અનુચ્છેદ ૨૪૪-૨૪૪ એ |
ભાગ ૧૧ | કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંબંધ | અનુચ્છેદ ૨૪૫-૨૬૩ |
ભાગ ૧૨ | નાણા, સંપત્તિ, અને વાદ-વિવાદ | અનુચ્છેદ ૨૬૪-૩૦૦ |
ભાગ ૧૩ | ભારતના પ્રદેશમાં વેપાર અને વાણિજ્ય | અનુચ્છેદ ૩૦૧-૩૦૭ |
ભાગ ૧૪ | કેન્દ્ર તથા રાજ્યો હસ્તક સેવાઓ | અનુચ્છેદ ૩૦૮-૩૨૩ |
ભાગ ૧૪-એ | ટ્રિબ્યુનલ્સ | અનુચ્છેદ |
ભાગ ૧૫ | ચૂંટણી (નિર્વાચન) | અનુચ્છેદ ૩૨૪-૩૨૯ |
ભાગ ૧૬ | ચોક્કસ વર્ગો સંબંધિત ખાસ જોગવાઈઓ | અનુચ્છેદ ૩૩૦-૩૪૨ |
ભાગ ૧૭ | ભાષાઓ | અનુચ્છેદ ૩૪૩-૩૫૧ |
ભાગ ૧૮ | કટોકટીની જોગવાઈઓ | અનુચ્છેદ ૩૫૨-૩૬૦ |
ભાગ ૧૯ | પરચૂરણ | અનુચ્છેદ ૩૬૧-૩૬૭ |
ભાગ ૨૦ | બંધારણ સંશોધન | અનુચ્છેદ ૩૬૮ |
ભાગ ૨૧ | કામચલાઉ, સંક્રમણકાલીન અને ખાસ જોગવાઈઓ | અનુચ્છેદ ૩૬૯-૩૯૨ |
ભાગ ૨૨ | સંક્ષિપ્ત નામ, પ્રારંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને પુનરાવર્તનો | અનુચ્છેદ ૩૯૩-૩૯૫ |
અનુસૂચિ
અનુસૂચિ | વિષય |
---|---|
પ્રથમ અનુસૂચિ | રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું વર્ણન |
દ્વિતીય અનુસૂચિ | પગાર અને ભથ્થા |
ભાગ-ક | રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સંબંધિત ઉપબંધ |
ભાગ-ખ | રદ્દ |
ભાગ-ગ | લોકસભા તથા વિધાનસભાઓના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ, રાજ્યસભા તથા વિધાનપરિષદના સભાપતિ અને ઉપસભાપતિના વેતન-ભથ્થા |
ભાગ-ઘ | ઉચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચત્તમ ન્યાયાલયના ન્યાયાધીશો સંબંધિત ઉપબંધ |
ભાગ-ઙ | ભારતના નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક સંબંધિત ઉપબંધ |
તૃતીય અનુસૂચિ | રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વિધાનસભાના મંત્રીઓ, ન્યાયાધીશો વગેરેના શપથનુ પ્રારૂપ |
ચોથી અનુસૂચિ | રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દીઠ રાજ્ય સભા (સંસદના ઉપલા ગૃહ) માં બેઠકોની ફાળવણી |
પાંચમી અનુસૂચિ | અનુસૂચિત ક્ષેત્ર અને અનુસૂચિત જનજાતિઓના પ્રશાઅસન અને નિયંત્રણ સંબંધિત ઉપબંધ. |
છઠ્ઠી અનુસૂચિ | આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આદિવાસી વિસ્તારોના વહીવટ(પ્રશાસન) સંબંધિત ઉપબંધ |
સાતમી અનુસૂચિ | સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સહવર્તી સૂચિ |
આઠમી અનુસૂચિ | અધિકૃત ભાષાઓ |
નવમી અનુસૂચિ | ચોક્કસ કાયદાઓ અને નિયમો |
દસમી અનુસૂચિ | સંસદસભ્યો અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો માટે “પક્ષપલટા વિરોધી” જોગવાઈઓ |
અગિયારમી અનુસૂચિ | પંચાયતી રાજ (ગ્રામીણ સ્થાનિક સરકાર) – શક્તિઓ, અધિકાર અને ફરજો |
બારમી અનુસૂચિ | નગરપાલિકાઓ (શહેરી સ્થાનિક સરકાર) – શક્તિઓ, અધિકાર અને ફરજો |
કાયદા સંબંધિત સમિતિઓ
- પ્રારૂપ સમિતિ : ૭ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. અન્ય સભ્યોમાં મો. સાદુલ્લા, કે.એમ.મુન્શી, એ.કે.એસ.ઐયર, બી.એલ.મિત્તર, એન.ગોપાલાસ્વામી આયંગર તથા ડી.પી.ખેતાનનો સમાવેશ થાય છે.
- કેન્દ્ર શક્તિ સમિતિ : ૯ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
- રાજ્ય વાર્તા સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
- મુખ્ય કમિશ્નરી પ્રાંતો સંબંધિત સમિતિ :
- સર્વોચ્ચ ન્યાયાલય સંબંધિત સમિતિ :
- સંઘ બંધારણ સમિતિ : ૧૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરૂ હતા.
- મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : ૫૪ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
- ક્ષેત્રીય બંધારણ સમિતિ : ૨૫ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ સરદાર પટેલ હતા.
- બંધારણ પ્રારૂપ નિરિક્ષણ સમિતિ : અધ્યક્ષ એ.કે.એસ.ઐયર
- ભાષાકીય પ્રાંત સમિતિ :
- રાષ્ટ્રધ્વજ સમિત :
- આર્થિક વિષયો સંબંધિત વિશેષજ્ઞ સમિતિ :
પ્રક્રિયા સંબંધિત સમિતિઓ
- સંચાલન સમિતિ : અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
- કાર્ય સંચાલન સમિતિ : ૩ સભ્યોની બનેલી આ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ મુનશી હતા. અન્ય સભ્યોમાં ગોપાલાસ્વામી આયંગર અને વિશ્વનાથ દાસનો સમાવેશ થાય છે.
- હિંદી અનુવાદ સમિતિ :
- સભા સમિતિ :
- નાણાં તેમજ અધિકરણા સમિતિ :
- ઉર્દૂ અનુવાદ સમિતિ :
- કાર્ય આદેશ સમિતિ :
- પ્રેસ દીર્ઘા સમિતિ :
- ભારતીય સ્વતંત્રતા અધિનિયમ આકલન સમિતિ :
- ક્રેડેન્શીયલ સમિતિ :
- ઝંડા સમિતિ : અધ્યક્ષ જે બી કૃપલાણી
ભારતીય બંધારણની પ્રમુખ વિશેષતાઓ
લેખિત અને વિસ્તૃત બંધારણ
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી વિસ્તૃત બંધારણ છે. તે અમેરિકાના બંધારણની જેમ જ લેખિત સ્વરૂપમાં છે. જ્યારે બ્રિટન અને ઈઝરાયેલના બંધારણ અલેખિત છે. બંધારણ સ્વીકૃતિ સમયે તેમાં ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિ હતી. ૭૬મા બંધારણ સંશોધન બાદ ૪૪૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૧૨ અનુસૂચિઓમાં વહેંચાયેલું છે. અમેરિકાના બંધારણમાં ૭, કેનેડાના બંધારણમાં ૧૪૭, ઓસ્ટ્રેલિયાના બંધારણમાં ૧૨૮ તથા દક્ષિણ આફ્રિકાના બંધારણમાં ૨૫૩ અનુચ્છેદ છે. ભારતીય બંધારણની વિશાળતાનું મુખ્ય કારણ વિશ્વના પ્રમુખ દેશોના બંધારણના મહત્ત્વપૂર્ણ ઉપબંધોનો સમાવેશ છે.
આ પણ વાંચો :-
ધર્મનિરપેક્ષ રાજ્ય
ધર્મનિરપેક્ષતા એટલે પંથ, જાતિ, સંપ્રદાયના આધાર પર કોઈ પણ ધર્મના અનુયાયીથી ભેદભાવ ન રાખવો. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યનું અનુમોદન કરે છે. જે અનુસાર કોઈ પણ ધર્મને રાજધર્મ માનવામાં આવશે નહિ તથા કોઇ પણ ધર્મને સંરક્ષણ કે પ્રાથમિકતા આપવામાં આવશે નહિ. આમ, ભારતમાં કોઈ માન્ય કે સ્વીકૃત ધર્મ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ જોડવામાં આવ્યો છે.
કઠોરતા અને લચીલાપણાનો સમન્વય
બંધારણની કઠોરતા અને લચીલાપણાનો આધાર તેમાં સંશોધન-ફેરફાર કરવાની જટિલતા પર આધારિત છે. એ દૃષ્ટિએ ભારતીય બંધારણમાં કઠોરતા અને લવચીકતાનો સમન્વય જોવા મળે છે. સંઘીય બંધારણના પ્રાવધાનોમાં સંશોધન પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. આથી તેને કઠોરતાની શ્રેણીમાં મૂકી શકાય. અનુચ્છેદ ૩૬૮ અનુસાર કેટલાક વિષયોમાં સંશોધન માટે સંસદના બન્ને સદનોમાં ઉપસ્થિત સભ્યોની બે તૃતિયાંશ બહુમતિ ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોના વિધાનમંડળોનુ સમર્થન પણ આવશ્યક છે. ઉદાહરણ સ્વરૂપે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિ વિભાજન, રાષ્ટ્રપતિની ચયન પ્રક્રિયા બંધારણની કઠોરતા દર્શાવે છે. સામા પક્ષે કેટલાક વિધેયક સાધારણ બહુમત દ્વારા પણ સંશોધિત કરી શકાય છે. જે બંધારણની લવચીક બાજુનો પરિચય કરાવે છે.
સમવાયતંત્રી
બંધારણને એકતંત્રી કે સમવાયતંત્રી એમ બે ભાગમાં વિભાજીત કરી શકાય છે. અમેરિકાનું બંધારણ સમવાયતંત્રી છે જ્યારે બ્રિટનનું બંધારણા એકતંત્રી છે. એકતંત્રી બંધારણમાં બધી જ સત્તા કેન્દ્ર સરકારમાં સ્થાપિત હોય છે. જ્યારે સમવાયતંત્રમાં બંધારણ સર્વોપરી હોય છે. એક રીતે ભારતનું બંધારણ બંને પ્રકારનાં લક્ષણો ધરાવે છે માટે અર્ધસમવાયતંત્રી કહી શકાય. આકારની દૃષ્ટિએ સમવાયતંત્રી પણ યુદ્ધ કે કટોકટી દરમિયાન એકતંત્રી.
સંસદીય શાસનવ્યવસ્થા
લોકશાહી શાસનવ્યવસ્થા મુખ્યત્ત્વે બે પ્રકારની જોવા મળે છે. (૧) સંસદીય લોકશાહી અને (૨) પ્રમુખકેન્દ્રી લોકશાહી. ભારતીય બંધારણે બ્રિટિશ પદ્ધતિ અનુસારની સંસદીય શાસન વ્યવસ્થા અપનાવી છે. ભારત એક પ્રજાસત્તાક રાજ્ય છે અને તેના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ છે. પરંતુ અમેરિકી પ્રમુખકેન્દ્રી પ્રણાલિથી વિપરિત ભારતીય રાષ્ટ્રપતિ ફક્ત બંધારણીય વડા છે. વાસ્તવમાં તેઓ મંત્રીમડળના સલાહ-પરામર્શ અનુસાર કાર્ય કરે છે. આ ચુંટાયેલા પ્રતિનિધિ મંત્રીઓ નીચલા ગૃહ લોકસભાને પ્રતિ ઉત્તરદાયી હોય છે.જોકે બ્રિટનની સંસદથી વિપરિત ભારતીય સંસદ સાર્વભૌમ નથી આથી સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓનું ન્યાયપાલિકા દ્વારા સમીક્ષા-પુન:નિરિક્ષણ કરી શકાય છે.
સંસદીય સાર્વભૌમત્ત્વ અને ન્યાયતંત્રીય સર્વોપરીતા
બ્રિટનની સંસદીય પ્રણાલિમાં સંસદ સર્વોપરી છે જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયાલય સર્વોપરી છે. બ્રિટનની સંસદ દ્વારા પારિત કાનૂનની ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી જ્યારે અમેરિકી પ્રણાલિમાં ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. ભારતીય બંધારણમાં બન્નેનો કંઈક અંશે સમન્વય જોવા મળે છે. ભારતીય સંસદ તથા ન્યાયપાલિકા બંને પોતાના ક્ષેત્ર-દાયરામાં સર્વોપરી છે. ઉચ્ચતમ ન્યાયાલય સંસદમાં પસાર કરેલ કાયદાની સમીક્ષા કરી તેને ગેરબંધારણીય ઠેરવી શકે છે. એજ રીતે સંસદ પણ અમુક મર્યાદામાં બંધારણમાં સુધારાવધારા કરી શકે છે
પુખ્ત મતાધિકાર
ભારતનો પ્રત્યેક નાગરિક કે જે ૧૮ વર્ષની આયુ પ્રાપ્ત કરી ચૂક્યો છે તે કોઈ પણ ધર્મ, જાતિ, શિક્ષા, લિંગ, ક્ષેત્ર, ભાષા, વ્યવસાય વગેરેના ભેદભાવ વગર મત આપવાનો અધિકારી રહેશે. ભારતીય બંધારણે સંસદીય પ્રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે કરવામાં આવે છે. આમ, પશ્ચિમના વિકસિત લોકતંત્રોની તુલનામાં શરૂઆતથી જ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર ખાસ નોંધપાત્ર છે. મૂળ બંધારણમાં પુખ્ત મતાધિકાર ૨૧ વર્ષ હતો, જે ૬૧ મા બંધારણીય સુધારા, ૧૯૮૯ થી ૧૮ વર્ષ કરવામાં આવ્યો.
સ્વતંત્ર ન્યાયતંત્ર
ભારતનું બંધારણ સ્વતંત્ર ન્યાયપાલિકા ધરાવે છે. તેને ન્યાયીક સમીક્ષા કરવાની શક્તિઓ પ્રાપ્ત છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે, ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણુંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ન્યાયાધીશોના પદની સુરક્ષા. અમેરિકાની જેમ આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યો માટે પૃથક ન્યાયતંત્ર નથી.
નીતિ નિર્દેશક તત્ત્વો
આયરલૅન્ડના બંધારણથી પ્રેરિત માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું બેજોડ લક્ષણ છે. તે પ્રજાતંત્રના આર્થિક, સામાજિક અને આર્થિક કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરે છે. આ સિદ્ધાંતો ન્યાયાલય દ્વારા અમલપાત્ર ન હોવા છતાં દેશના શાસનમાં નિર્દેશક છે. ભારતીય બંધારણના ભાગ-૪માં અનુચ્છેદ ૩૬ થી ૫૧માં આ સિદ્ધાંતો આપવામાં આવેલા છે.
સમાજવાદી રાજ્ય
એવી પ્રશાસનિક વ્યવસ્થા જે અંતર્ગત સમાજની પ્રત્યેક વ્યક્તિને વિકાસના સમાન અવસર પ્રાપ્ત થાય. સમાજવાદી રાજ્યનો મૂળ ઉદ્દેશ્ય સમાજની આર્થિક, રાજનૈતિક અને અધિકારિક સમાનતા સુનિશ્ચિત કરવાનો છે. બંધારણના મૂળ સ્વરૂપમાં તેનો ઉલ્લેખ નથી. ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
એકલ નાગરિકતા
સમવાયતંત્રી બંધારણમાં મોટેભાગે બેવડું નાગરિકત્ત્વ જોવા મળે છે. એક્ દેશનું અને બીજું રાજ્યનું. જોકે આપણા દેશના બંધારણમાં અપવાદરૂપે સમગ્ર દેશ માટે સમાનરૂપે એકલ નાગરિકતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આ વ્યવસ્થા અનુસાર દેશનો કોઈ પણ નાગરિક નિર્બાધ રૂપે દેશના કોઈપણ ખૂણે વિચરણ કરી શકે છે, રહી શકે છે, કોઈ પણ સ્થળેથી ચૂંટણી લડી શકે છે. અમેરિકામાં બેવડી નાગરિકતાની વ્યવસ્થા છે
મૂળભૂત ફરજો
મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો વિશે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ ડિસેમ્બર ૧૯૭૬માં ૪૨મા બંધારણ સંશોધન દ્વારા બંધારણમાં ભાગ-૪એ જોડવામાં આવ્યો. જે અંતર્ગત અનુચ્છેદ ૫૧(એ)માં મૂળભૂત ફરજોને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.
મૂળભૂત અધિકારો
જીવન, સ્વતંત્રતા, સમાનતા તથા વિકાસ જેવા પાયાના માનવ અધિકારો કે જેને ન્યાયપાલિકા દ્વારા સંરક્ષણ પ્રાપ્ત હોય, જેના અભાવમાં પ્રજાતંત્રની સ્થાપના શક્ય ન હોય. બંધારણના ભાગ-૩માં અનુચ્છેદ ૧૨ થી ૩૫માં મૂળભૂત અધિકારો વિશે વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આમ, મૂળભૂત અધિકારો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. બંધારણ આપણને સમાનતા નો અધિકાર અનુચ્છેદ ૧૪ થી ૧૮માં, સ્વતંત્રતા અધિકાર ૧૯ થી ૨૨ માં, શોષણ વિરુદ્ધનો અધિકાર ૨૩ થી ૨૪માં, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર 25 થી 28 માં, સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર અનુચ્છેદ ૨૯ થી ૩૧માં, બંધારણીય ઈલાજોનો અધિકાર અનુચ્છેદ ૩૨ માં આપે છે.
વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ
ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ છે. ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.
વિશ્વના પ્રમુખ બંધારણોનો પ્રભાવ
ભારતીય બંધારણ પર વિવિધ દેશોના બંધારણની પ્રત્યક્ષ પરોક્ષ અસરો જોવા મળે છે. જોકે આ બંધારણનો સૌથી મોટો સ્રોત ભારત સરકાર અધિનિયમ ૧૯૩૫ છે. ભારતીય બંધારણના કુલ ૩૯૫ અનુચ્છેદ પૈકી ૨૫૦ અનુચ્છેદ આ જ અધિનિયમમાંથી લેવામાં આવેલ છે.
Source-Wikipedia

1 thought on “ભારતનું બંધારણ | Bharat Nu Bandharan”